Isaiah 37

1જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો. 2તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

3તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે. 4આશૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”

5તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા. 6અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. 7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તરવારથી મારી નંખાવીશ.“’”

8જ્યારે રાબશાકે પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશૂરનો રાજા લિબ્નાની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે. 9જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું, 10“હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં નહિ પડશે.”

11આશૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે? 12જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? 13હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે?

14હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો. 15હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી: 16હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

17હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો. 18હે યહોવાહ, ખરેખર આશૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.

19તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશૂરે તેમનો નાશ કર્યો છે. 20તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.”

21પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’ 22તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે:

“સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે;
યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.
23તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે
અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ.

24તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ સાથે

હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું;
હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ;
અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
25મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે;
મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’

26શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે

અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે,
તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.
27તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા.
તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ,
અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ,
પૂર્વના વાયુ જેવા થઈ ગયા.

28પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.

29મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે
હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને
જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.”

30તારા માટે આ ચિહ્ન થશે:

આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો.
પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો.

31યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે.

32કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;’
સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે.”

33તેથી આશૂરના રાજા વિષે યહોવાહ કહે છે:

“તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ,
તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ.
34જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.

35કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”

36યહોવાહના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં . 37તેથી આશૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.

પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.

38

Copyright information for GujULB